VARTA


                                                       આનંદી કાગડો

        એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા :

લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ

લપસણું કરતાં શીખીએ છીએ

રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે ? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે ?

રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.’

માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :

કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ

કુવામાં તરતાં શીખીએ છીએ

રાજા કહે : ‘હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ.’

પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :

કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ

કૂંણા કાન વીંધાવીએ છીએ

રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.

પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા :

કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ

કોયલના ટહુકા સાંભળીએ છીએ

પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે

મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ

મીઠી ખીર ખાઈએ છીએ

રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો : ‘આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.’ છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :

હવે અમે આઝાદ છીએ ભાઈ

હવે અમે આઝાદ છીએ

અને કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં પેશી ગયો.

                                                    ******CRC******


અગ્રે અગ્રે વિપ્રઃ
નંદ સો કંદ
                                                         દાઢી સો ભોથું

            એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં  તેમના  બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી.બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો.
           ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા-પીવાનું શોધીએ. જે જડે તે સૌનું સરખા ભાગે. ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું.

 બ્રાહ્મણ કહે : ‘ઊભા રહો. હું ખેડૂતને અષ્ટમપષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું.’બ્રાહ્મણ તો અંદર ગયો.                    ‘નારાયણ પ્રસન્ન’ કહી ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય                              કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી.
 પટેલ કહે : ‘મહારાજ, મારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતું. મારે થોડાં ભંડાર ભર્યા છે કે હું બીજાને                     દાન આપ્યાં જ કરું.’ બ્રાહ્મણ તો વીલા મોંએ પાછો આવ્યો.
 બાવો કહે : ’વાંધો નહિ. એને આ ભવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ                                    આપી શેરડી લઈ આવું છું.’ બાવો તો ખેતરમાં જઈ ‘અહાલેક’ કરીને ઊભો રહ્યો અને                        હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી ખેડૂતને આપી.
 ખેડૂત કહે : ‘બાપજી મહારાજ, તમારી ચપટી ભસ્મને હું શું કરું ?                                                               મારા ચુલામાં રોજરાખના મોટા ઢગલા નીકળે છે. એના કરતાં એમ કરો, તમે ચમત્કાર                         કરી હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો ને.બાવાજી પણ વીલા મોંએ પાછા આવ્યા.
                હવે વાણિયાનો વારો આવ્યો. વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી                  શેરડી મળે તેમ નથી. ખેડૂતને બરાબર ગળે ઉતરે તેવું કોઈ ગતકડું કરવું પડશે.વાણિયાએ                      રોફભેર ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું : ‘કાં પટેલ, આ શેરડી એમને એમ રાખવી છે કે ગોળ                    બનાવી વેંચવો છે ?’
 પટેલ કહે : ‘આવો આવો શેઠ, શેરડી એમને એમ થોડી રાખવાની હોય. ગોળ લેવો હોય તો બોલો                        કેટલા ગોળનો ખપ છે ?’
વાણિયો કહે : ‘આમ તો સો મણ જોઈએ છે પણ ભાવ પોષાય એવો હોય તો બીજા પચાસ મણ પણ                       લઉં ખરો.’

પટેલ કહે : ’એમ બોલોને. ચાલો કરીએ ભાવતાલ નક્કી.’

પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ ઠેરવ્યા અને ગોળ તોળવાનો દિવસ પણ નક્કી કર્યો. બધું કર્યા પછી વાણિયે રજા લીધી પણ થોડુંક ચાલીને પાછો ફર્યો અને કહે : ‘અરે પટેલ, આ તમારી શેરડીના રૂપ-રંગ જોઈ મેં સોદો તો નક્કી કરી નાખ્યો પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જોયાં જ નથી. શેરડી બરાબર મીઠી નહિ હોય તો ગોળમાં સ્વાદ ક્યાંથી આવશે ?’

પટેલ કહે : ’એવું તે કંઈ હોય. મારી શેરડી તો આખા પંથકમાં વખણાય છે. આ થોડાંક સાંઠા લઈ જાવ અને ખાજો એટલે તમને ખાતરી થઈ જશે.’

પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વીશ સાંઠા પસંદ કરી, વાઢીને વાણિયાને આપ્યા. વાણિયો મનમાં મલકાતો સાંઠા લઈને બહાર આવ્યો.

પછી તો ભાગ પાડવાનું આવ્યું. શરત પ્રમાણે સૌના સરખેસરખા ભાગ પાડવાના હતા. પણ વાણિયો બરાબર પાકો હતો. મનમાં કહે: ’આ શેરડી મારી ચાલાકી ને હોંશિયારીથી મળી છે્. તમે લોકોએ તો કંઈ કર્યું નથી તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ. હું થોડો મૂરખ છું કે હું માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં તાગડધીન્ના કરવા દઉં.’

વિચાર કરવાનો ડોળ કરી વાણિયો કહે :

‘જૂઓ ભાઈ ! શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે અગ્રે વિપ્રઃ માટે આપણે બ્રાહ્મણને આગળનો ભાગ આપવો જોઈએ.’

એમ કહી વીશે સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણે તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો. પછી કહે : ‘નંદ સો કંદ. નંદ એટલે વાણિયાને તો વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે.’ એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા.

પછી બાકી તો થડિયાના ભાગ રહ્યા એટલે કહે : ‘દાઢી સો ભોથાં. શાસ્ત્રના વચન છે કે દાઢી એટલે બાવાજીને ભોથાં એટલે કે થડિયા દેવાં જોઈએ.’ બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો.

આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે ગુપચાવી લીધો. પછી ત્રણે ભાગીદારો રાજીખુશીથી છૂટા પડી સૌ સૌના રસ્તે ગયા.

                                                     *****CRC***** 



[પાછળ]
                                                      બોલતી ગુફા

એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે.

એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો.

સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.’

આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિ, એટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિ? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે? તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.’

સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે’ એટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!’

સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું.

થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું.

શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.’


                                                 *****CRC***** 

[પાછળ]
                                                   કહેવત ભંડાર
કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ








 01.અક્કરમીનો પડીઓ કાંણો
 02.અક્કલ ઉધાર ન મળે
 03.અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
 04.અચ્છોવાના કરવાં
 05.અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
 06.અજાણ્યો અને આંધળો બેઉ સરખા
 07.અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
 08.અતિ ચીકણો બહુ ખરડાય
 09.અતિ લોભ તે પાપનું મૂળ
 10.અણીનો ચૂક્યો સો વરસ જીવે
 11.અધૂરો ઘડો છલકાય ઘણો
 12.અન્ન અને દાંતને વેર
 13.અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
 14.અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
 15.અવળા હાથની અડબોથ
 16.અવળે અસ્ત્રે મુંડી નાખવો
 17.અંગૂઠો બતાવવો
 18.અંજળ પાણી ખૂટવા
 19.અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
 20.અંધારામાં તીર ચલાવવું
 21.અંધેરી નગરી ગંડુ રાજા

આ-ઈ 


 01.આકડે મધ ને માખી વિનાનું
 02.આખું કોળું શાકમાં ગયું
 03.આકાશ પાતાળ એક કરવા
 04.આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
 05.આગ વિના ધુમાડો ન હોય
 06.આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
 07.આગળ કૂવો ને પાછળ ખીણ
 08.આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
 09.આગે આગે ગોરખ જાગે
 10.આજ રોકડા, કાલ ઉધાર
 11.આજની ઘડી અને કાલનો દી
 12.આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
 13.આદુ ખાઈને પાછળ પડી જવું
 14.આપ ભલા તો જગ ભલા
 15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
 16.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ
 17.આપણને નહિ તો આપણા પાડોશીને હજો
 18.આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
 19.આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
 20.આપ્યું ને તાપ્યું કેટલો સમય ચાલે ?
 21.આફતનું પડીકું
 22.આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
 23.આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
 24.આમલી પીપળી બતાવવી
 25.આરંભે શૂરા
 26.આલાનો ભાઈ માલો
 27.આલિયાની ટોપી માલિયાને માથે
 28.આવ પાણા પગ ઉપર પડ
 29.આવ બલા પકડ ગલા
 30.આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા
 31.આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
 32.આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
 33.આવી ભરાણાં
 34.આવો, બેસો, પીઓ પાણી એ ત્રણે ચીજ મફતની આણી
 35.આહાર તેવો ઓડકાર
 36.આળસુનો પીર
 37.આંખ આડા કાન કરવા
 38.આંખ લાલ કરવી
 39.આંખે જોયાનું ઝેર છે
 40.આંગળા ચાટ્યે પેટ ન ભરાય
 41.આંગળી ચીંધવાનું પુણ્ય
 42.આંગળી દેતાં પહોંચો પકડે
 43.આંગળીથી નખ વેગળા જ રહે
 44.આંગળીના વેઢે ગણાય એટલાં
 45.આંતરડી કકળાવવી/દૂભવવી
 46.આંતરડી ઠારવી
 47.આંધળામાં કાણો રાજા
 48.આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
 49.આંધળી દળે ને કૂતરા ખાય
 50.આંધળે બહેરું કૂટાય
 51.આંધળો ઓકે સોને રોકે
 52.ઈંટનો જવાબ પથ્થર

ઉ 


 01.ઉકલ્યો કોયડો કોડીનો
 02.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
 03.ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર
 04.ઉતાવળે આંબા ન પાકે
 05.ઉલાળિયો કરવો

ઊ 


 01.ઊગતા સૂરજને સૌ પૂજે
 02.ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
 03.ઊઠાં ભણાવવા
 04.ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
 05.ઊતર્યો અમલદાર કોડીનો
 06.ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
 07.ઊંઘ, આહાર અને વહેવાર, વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
 08.ઊંઘ વેચીને ઉજાગરો લેવાનો ધંધો ખોટો
 09.ઊંચે આભ ને નીચે ધરતી
 10.ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
 11.ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
 12.ઊંટના ઊંટ ચાલ્યા જાય
 13.ઊંટની પીઠે તણખલું
 14.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
 15.ઊંડા પાણીમાં ઊતરવું
 16.ઊંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય
 17.ઊંદર બિલાડીની રમત
 18.ઊંદરને ઉચાળો શો ?
 19.ઊંધા રવાડે ચડાવી દેવું
 20.ઊંધી ખોપરીનો માણસ
 21.ઊંબાડિયાં મૂકવાની ટેવ ખોટી

એ-ઐ

 01.એક કરતાં બે ભલા
 02.એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
 03.એક કાંકરે બે પક્ષી મારવા
 04.એક ઘા ને બે કટકા
 05.એક ઘાએ કૂવો ન ખોદાય
 06.એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
 07.એક નકટો સૌને નકટાં કરે
 08.એક નન્નો સો દુ:ખ હણે
 09.એક નૂર આદમી હજાર નૂર કપડાં
 10.એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
 11.એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
 12.એક ભવમાં બે ભવ કરવા
 13.એક મરણિયો સોને ભારી પડે
 14.એક મ્યાનમાં બે તલવાર ન રહે
 15.એક લાકડીએ બધાંને હાંકવા
 16.એક સાંધે ત્યાં તેર તૂટે
 17.એક હાથે તાળી ન પડે
 18.એકડા વિનાનાં મીંડા જેવો
 19.એકનો બે ન થાય
 20.એકે હજારાં સોએ બિચારાં
 21.એના પેટમાં પાપ છે
 22.એનાં જ ટાંટિયા એનાં જ ગળામાં ભરાવી દેવા
 23.એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
 24.એરણની ચોરી ને સોયનું દાન
 25.એલ-ફેલ બોલવું

ઓ-અઃ 

 01.ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
 02.દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
 03.ઓછું પાત્ર ને અદકું ભણ્યો
 04.ઓડનું ચોડ કરવું
 05.ઓળખાણ સૌથી મોટી ખાણ.છે
 06.ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે


 01. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી 
 02.કજિયાનું મોં કાળું 
 03.કડવી ને પાછી લીમડે ચડેલી 
04.કડવું ઓસડ મા જ પાય 
 05.કડવો ઘૂંટડો ગળે ઊતારવો 
 06.કપાસિયે કોઠી ફાટી ન જાય 
 07.કપાળ જોઈને ચાંદલો કરાય 
 08.કમળો હોય તેને પીળું દેખાય 
 09.કમાઉ દીકરો સૌને વહાલો લાગે 
 10.કમાન છટકવી 
 11.કરકસર એટલે બીજો ભાઈ 
 12.કરમ કોડીના અને લખણ લખેશરીના 
 13.કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી 
 14.કરો કંકુના 
 15.કરો તેવું પામો, વાવો તેવું લણો 
 16.કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા 
 17.કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું 
 18.કસાઈને ઘેર ગાય બાંધવી 
 19.કહેવાય નહિ અને સહેવાય નહિ એવી હાલત 
 20.કાકા મટીને ભત્રીજા ન થવાય 
 21.કાકો પરણ્યો ને ફોઈ રાંડી 
 22.કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો 
 23.કાખલી કૂટવી 
 24.કાગડા ઊડવા 
 25.કાગડા બધે ય કાળા હોય 
 26.કાગડાની કોટે રતન બાંધવું 
 27.કાગડો દહીંથરું લઈ ગયો 
 28.કાગના ડોળે રાહ જોવી 
 29.કાગનું બેસવું ને ડાળનું પડવું 
 30.કાગનો વાઘ કરવો 
 31.કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય 
 32.કાચા કાનનો માણસ 
 33.કાચું કાપવું 
 34.કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
 35.કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે 
 36.કાટલું કાઢવું 
 37.કાતરિયું ગેપ 
 38.કાન છે કે કોડિયું? 
 39.કાન પકડવા 
 40.કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
 41.કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે? 
 42.કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ 
 43.કાનાફૂંસી કરવી 
 44.કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ 
 45.કામ કામને શિખવે 
 46.કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે 
 47.કામના કૂડા ને વાતોના રૂડા 
 48.કામનો ચોર 
 49.કારતક મહિને કણબી ડાહ્યો 
 50.કાલાં કાઢવાં 
 51.કાળજાની કોર/કાળજાનો કટકો 
 52.કાળજાનું કાચું/પાકું 
 53.કાળા અક્ષર ભેંશ બરાબર 
 54.કાળા માથાનો માનવી ધારે તે કરી શકે 
 55.કાળી ટીલી ચોંટવી
 56.કાળી લાય લાગવી
 57.કાંકરો કાઢી નાખવો 
 58.કાંચિડાની જેમ રંગ બદલવા 
 59.કાંટો કાંટાને કાઢે 
 60.કાંડાં કાપી આપવાં 
 61.કાંદો કાઢવો 
 62.કીડી કોશનો ડામ ખમી શકે ? 
 63.કીડી પર કટક ન ઊતારાય 
 64.કીડીને કણ અને હાથીને મણ 
 65.કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી 
 66.કીધે કુંભાર ગધેડે ન ચડે 
 67.કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય 
 68.કુલડીમાં ગોળ ભાંગવો 
 69.કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં 
 70.કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે 
 71.કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે 
 72.કૂતરું કાઢતા બિલાડું પેઠું 
 73.કૂવામાં હોય તો અવેડામાં આવે 
 74.કૂંડી કથરોટને હસે 
 75.કેટલી વીસે સો થાય તેની ખબર પડવી 
 76.કેસરિયા કરવા 
 77.કોઈની સાડીબાર ન રાખે 
 78.કોઈનો બળદ કોઈની વેલ ને બંદાનો ડચકારો
 79.કોઠી ધોયે કાદવ જ નીકળે 
 80.કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો 
 81.કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો 
 82.કોણીએ ગોળ ચોપડવો 
 83.કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ? 
 84.કોથળામાં પાનશેરી રાખીને મારવો 
 85.કોથળામાંથી બિલાડું કાઢવું 
 86.કોના બાપની દિવાળી 
 87.કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે 
 88.કોપરાં જોખવાં 
 89.કોલસાની દલાલીમાં કાળા હાથ 
 90.ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? 


ખણખોદ કરવી
ખરા બપોરે તારા દેખાડવા
ખંગ વાળી દેવો
ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
ખાડો ખોદે તે પડે
ખાતર ઉપર દીવો
ખાલી ચણો વાગે ઘણો
ખાળે ડૂચા અને દરવાજા મોકળા
ખાંડ ખાય છે
ખાંધે કોથળો ને પગ મોકળો
ખિસ્સા ખાલી ને ભભકો ભારી
ખિસ્સામાં રાખીને ફરવું
ખીચડી પકવવી
ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
ખીલાના જોરે વાછરડું કૂદે
ખેલ ખતમ, પૈસા હજમ
ખોટો રૂપિયો કદી ન ખોવાય
ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર


ગઈ ગુજરી ભૂલી જવાની હોય
ગઈ તિથિ જોશી પણ ન વાંચે
ગગા મોટો થા પછી પરણાવશું
ગગો કુંવારો રહી જવો
ગજ વાગતો નથી
ગજવેલના પારખાં ન હોય
ગતકડાં કાઢવા
ગધેડા ઉપર અંબાડી ન શોભે
ગધેડાને તાવ આવે તેવી વાત
ગરજ સરી એટલે વૈદ વેરી
ગરજવાનને અક્કલ ન હોય
ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
ગરીબ ગાય જેવો
ગળ્યું એટલે ગળ્યું, બીજું બધું બળ્યું
ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
ગાડા નીચે કૂતરું
ગાડી પાટે ચડાવી દેવી
ગાડું ગબડાવવું
ગાડું જોઈને ગુડા ભાંગે
ગાભા કાઢી નાખવા
ગામ ગાંડું કરવું
ગામ માથે લેવું
ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
ગામના મોંએ ગરણું ન બંધાય
ગામનો ઉતાર
ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
ગાય દોહી કૂતરાને પાવું
ગાય પાછળ વાછરડું
ગાંગો ગ્યો ગોકળ ને વાંહે થઈ ગઈ મોકળ
ગાંજ્યો જાય તેવો નથી
ગાંઠના ગોપીચંદન
ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
ગાંડાના ગામ ન વસે
ગાંડી માથે બેડું
ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
ગાંધી-વૈદનું સહીયારું
ગેંગે-ફેંફે થઈ જવું
ગોટલાં છોતરાં નીકળી જવા
ગોર પરણાવી દે, ઘર ન માંડી દે
ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
ગોળ નાખો એટલું ગળ્યું લાગે
ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
ગ્રહણ ટાણે સાપ નીકળવો

ઘ-ઙ

ઘડો-લાડવો કરી નાખવો
ઘર કરી બેસવું/રહેવું
ઘર ફૂટે ઘર જાય
ઘર બાળીને તીરથ ન કરાય
ઘર ભરવું
ઘર ભલું ને આપણે ભલા
ઘર ભાંગવું
ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરાં
ઘરડાં ગાડાં વાળે
ઘરડી ઘોડી લાલ લગામ
ઘરના દેવ ને ઘરના પૂજારી
ઘરના ભુવા ને ઘરના ડાકલાં
ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો
ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
ઘરની ધોરાજી ચલાવવી
ઘરનું ઘર
ઘરનું માણસ
ઘરનો જોગી જોગટો, બહારગામનો સંત
ઘરમાં વાઘ બહાર બકરી
ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
ઘરમેળે પતાવવું/માંડવાળ કરવી
ઘરે ધોળો હાથી બાંધવો
ઘા પર મીઠું ભભરાવવું
ઘા ભેગો ઘસરકો
ઘાટ કરતાં ઘડામણ મોંઘું
ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
ઘાસની ગંજી પર કૂતરો બેઠો, ખાય નહિ ને ખાવા પણ ન દે
ઘી ઢોળાયું તો ખીચડીમાં
ઘી વિના લૂખો કંસાર, મા વિના સૂનો સંસાર
ઘી-કેળાં થઈ જવા
ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
ઘેર ઘેર માટીના ચૂલા
ઘેર બેઠાં ગંગા
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
ઘોડે ચડીને આવવું
ઘોરખોદિયો
ઘોંસ પરોણો કરવો


ચકલાં ચૂંથવાંનો ધંધો
ચકલી નાની ને ફૈડકો મોટો
ચકીબાઈ નાહી રહ્યાં
ચડાઉ ધનેડું
ચપટી ધૂળની ય જરૂર પડે
ચપટી મીઠાની તાણ
ચમડી તૂટે પણ દમડી ન છૂટે
ચમત્કાર વિના નમસ્કાર નહિ
ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
ચાદર જોઈને પગ પહોળા કરાય
ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
ચાલતી ગાડીએ ચડી બેસવું
ચીભડાના ચોરને ફાંસીની સજા
ચીંથરે વીંટાળેલું રતન
ચેતતો નર સદા સુખી
ચોર કોટવાલને દંડે
ચોર પણ ચાર ઘર છોડે
ચોરની દાઢીમાં તણખલું
ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
ચોરની માને ભાંડ પરણે
ચોરની વાદે ચણા ઉપાડવા જવું
ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
ચોરને ઘેર ચોર પરોણો
ચોરનો ભાઈ ઘંટીચોર
ચોરી પર શીનાજોરી
ચોરીનું ધન સીંકે ન ચડે
ચોળીને ચીકણું કરવું
ચૌદમું રતન ચખાડવું


છક થઈ જવું
છક્કડ ખાઈ જવું
છક્કા છૂટી જવા
છકી જવું
છછૂંદરવેડા કરવા
છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
છાગનપતિયાં કરવા
છાજિયા લેવા
છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
છાતી પર મગ દળવા
છાપરે ચડાવી દેવો
છાશ લેવા જવી અને દોણી સંતાડવી
છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
છાસિયું કરવું
છિનાળું કરવું
છીંડે ચડ્યો તે ચોર
છેલ્લા પાટલે બેસી જવું
છેલ્લું ઓસડ છાશ
છોકરાંથી છાશ પિવાય ?
છોકરાંને છાશ ભેગા કરવા
છોકરાંનો ખેલ નથી
છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
છોકરું કાંખમાં અને ગામમાં ઢંઢેરો
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય


જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
જતિ બેઠો જપે ને જે આવે તે ખપે
જનોઈવઢ ઘા
જમણ તો સૂરતનું, મરણ તો કાશીનું
જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
જમણો હાથ જે કરે તેની ડાબા હાથને ખબર ન પડે
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
જમાઈ એટલે દશમો ગ્રહ
જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
જલેબી જેવો સીધો
જશને બદલે જોડા
જળોની જેમ વળગવું
જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
જા બિલાડી મોભામોભ
જા બિલ્લી કૂત્તે કો માર
જાગ્યા ત્યાંથી સવાર
જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
જાતે પગ પર કુહાડો મારવો
જીભ આપવી
જીભ કચરવી
જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
જીવ ઝાલ્યો રહેતો નથી
જીવતા જગતિયું કરવું
જીવતો નર ભદ્રા પામે
જીવવું થોડું ને જંજાળ ઝાઝી
જીવો અને જીવવા દો
જીવ્યા કરતાં જોયું ભલું
જૂનું એટલું સોનું
જે ગામ જવું હોય નહિ તેનો મારગ શા માટે પૂછવો?
જે ચડે તે પડે
જે જન્મ્યું તે જાય
જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
જે ન ખાય ગળ્યું, તેનું જીવતર બળ્યું
જે નમે તે સૌને ગમે
જે ફરે તે ચરે
જે બોલે તે બે ખાય
જે વાર્યા ન વરે તે હાર્યા વરે
જે સૌનું થશે તે વહુનું થશે
જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
જેટલા મોં તેટલી વાતો
જેટલા સાંધા એટલા વાંધા
જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
જેના લગન હોય તેના જ ગીત ગવાય
જેના હાથમાં તેના મોંમા
જેની લાઠી તેની ભેંસ
જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
જેનું ખાય તેનું ખોદે
જેનું નામ તેનો નાશ
જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
જેને રામ રાખે તેને કોણ ચાખે
જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
જેવા સાથે તેવા
જેવી દ્દષ્ટિ તેવી સૃષ્ટિ
જેવી સોબત તેવી અસર
જેવું કરો તેવું પામો
જેવું કામ તેવા દામ
જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
જેવો દેશ તેવો વેશ
જેવો સંગ તેવો રંગ
જોશીના પાટલે અને વૈદના ખાટલે
જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
જ્યાં ચાહ ત્યાં રાહ
જ્યાં જાય ઉકો ત્યાં સમુદ્ર સૂકો
જ્યાં પંચ ત્યાં પરમેશ્વર
જ્યાં સંપ ત્યાં જંપ
જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
ઝ-ઞ
ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
ઝાઝા હાથ રળિયામણા
ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
ઝાઝી કીડી સાપને ખાઈ જાય
ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
ઝેરના પારખા ન હોય


ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
ટલ્લે ચડાવવું
ટહેલ નાખવી
ટાઢા પહોરની તોપ ફોડવી
ટાઢા પાણીએ ખસ ગઈ
ટાઢું પાણી રેડી દેવું
ટાઢો ડામ દેવો
ટાયલાવેડાં કરવાં
ટાલિયા નર કો'ક નિર્ધન
ટાંટીયાની કઢી થઈ જવી
ટાંટિયો ટળવો
ટાંડી મૂકવી
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
ટીંગાટોળી કરવી
ટૂંકું ને ટચ
ટેભા ટૂટી જવા
ટોટો પીસવો
ટોણો મારવો
ટોપી પહેરાવી દેવી
ટોપી ફેરવી નાખવી


ઠણઠણગોપાલ
ઠરડ કાઢી નાખવી
ઠરીને ઠામ થવું
ઠરીને ઠીંકરું થઈ જવું
ઠાગાઠૈયા કરવા
ઠેકાણે પડવું
ઠેરના ઠેર
ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે

ડ-ઢ-ણ

ડબ્બો ગુલ કરી નાખવો
ડહાપણની દાઢ ઊગવી
ડંકો વગાડવો
ડાકણેય એક ઘર તો છોડે
ડાગળી ખસવી
ડાચામાં બાળવું
ડાચું વકાસીને બેસવું
ડાફરિયાં દેવા
ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
ડાબા હાથનો ખેલ
ડાબા હાથે ચીજ મુકી દેવી
ડારો દેવો
ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
ડાંગે માર્યા પાણી જુદા ન પડે
ડાંફાં મારવા
ડીંગ હાંકવી
ડીંડવાણું ચલાવવું
ડુંગર દૂરથી રળિયામણા
ડૂબતો માણસ તરણું પકડે
ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
ઢમ ઢોલ ને માંહે પોલ
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
ઢાંકો-ઢૂંબો કરવો
ઢોળાયેલા દૂધ પર અફસોસ શું કામનો ?


તમાચો મારી ગાલ લાલ રાખવો
તમાશાને તેડું ન હોય
તલપાપડ થવું
તલમાં તેલ નથી
તલવારની ધાર ઉપર ચાલવું
ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
ત્રાગું કરવું
ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
તારા જેવા તાંબિયાના તેર મળે છે
તારા બાપનું કપાળ
તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
તાલમેલ ને તાશેરો
તાંબિયાની તોલડી તેર વાના માંગે
તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
તીસમારખાં
તુંબડીમાં કાંકરા
તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
તેલ જુઓ તેલની ધાર જુઓ
તેલ પાઈને એરંડિયું કાઢવું
તોબા પોકારવી
તોળી તોળીને બોલવું


થાક્યાના ગાઉ છેટા હોય
થાબડભાણા કરવા
થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
થૂંકના સાંધા કેટલા દી ટકે?
થૂંકેલું પાછું ગળવું


દયા ડાકણને ખાય
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
દળી, દળીને ઢાંકણીમાં
દશેરાના દિવસે જ ઘોડું ન દોડે
દાઝ્યા પર ડામ
દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
દાણો દબાવી/ચાંપી જોવો
દાધારિંગો
દાનત ખોરા ટોપરા જેવી
દાનો દુશ્મન સારો પણ મૂરખ મિત્ર ખોટો
દામ કરે કામ અને બીબી કરે સલામ
દાળમાં કાળું
દાંત કાઢવા
દાંત ખાટા કરી નાખવા
દાંતે તરણું પકડવું
દી ફરવો
દી ભરાઈ ગયા છે
દી વળવો
દીકરી એટલે સાપનો ભારો
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીવા તળે અંધારું
દીવાલને પણ કાન હોય
દુકાળમાં અધિક માસ
દુ:ખતી રગ દબાવવી
દુ:ખનું ઓસડ દહાડા
દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
દુનિયાની હવા લાગવી
દુબળાં ઢોરને બગાં ઝાઝી
દૂઝણી ગાયની લાત ભલી
દૂધ પાઈને સાપ ઉછેરવો
દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
દૂધમાં અને દહીંમાં પગ રાખવો
દૂધમાંથી પોરા કાઢવા
દે દામોદર દાળમાં પાણી
દેખવું નહિ અને દાઝવું નહિ
દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
દોડવું હતું ને ઢાળ મળ્યો
દોઢ ડહાપણ ડહોળવું/દોઢ ડાહ્યાં થવું
દોઢિયાંપાણી ખલાસ થઈ જવા/જોગ કરવો
દોમ દોમ સાયબી
દોરડી બળે પણ વળ ન છૂટે
દ્રાક્ષ ખાટી છે


ધકેલ પંચા દોઢસો
ધજાગરો બાંધવો/કરવો
ધણીની નજર એક, ચોરની નજર ચાર
ધનોત-પનોત કાઢી નાખવું
ધરતીનો છેડો ઘર
ધરમ કરતાં ધાડ પડી
ધરમ ધક્કો
ધરમના કામમાં ઢીલ ન હોય
ધરમની ગાયના દાંત ન જોવાય
ધાર્યું ધણીનું થાય
ધીરજના ફળ મીઠા હોય
ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
ધૂળ ઉપર લીંપણ ન કરાય
ધૂળ કાઢી નાખવી
ધૂળ ચાટતા/ભેગા થઈ જવું
ધૂળધાણી ને વા પાણી
ધોકે નાર પાંસરી
ધોલધપાટ કરવી
ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
ધોયેલ મૂળા જેવો
ધોળા દિવસે તારા દેખાવા
ધોળામાં ધૂળ પડી
ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
ધોળે ધરમે


ન આવડે ભીખ તો વૈદું શીખ
ન ઘરનો, ન ઘાટનો
ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
ન બોલ્યામાં નવ ગુણ
ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
ન મામા કરતા કહેણો મામો સારો
નકટા દેવને ખાસડાની પૂજા હોય
નકલમાં અક્કલ ન હોય
નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
નજર ઉતારવી
નજર બગાડવી
નજર લાગવી
નજરે ચડી જવું
નજરે જોયાનું ઝેર છે
નથ ઘાલવી
નદી નાવ સંજોગ
નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
નદીમાં નાહ્યે પુણ્ય મળે તો બધા મગરમચ્છ સ્વર્ગે જ જાય
નબળો ધણી બૈરી પર શૂરો
નમાજ પડતા મસીદ કોટે વળગી
નમે તે સૌને ગમે
નરમ ઘેંશ જેવો
નરો વા કુંજરો વા નવ ગજના નમસ્કાર
નવરો ધૂપ
નવરો બેઠો નખ્ખોદ કાઢે
નવાણિયો કૂટાઈ ગયો
નવાણુંનો ધક્કો લાગવો
નવી ગિલ્લી નવો દાવ
નવી વહુ નવ દહાડા
નવે નાકે દિવાળી
નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
નસીબ કંઈ વેચી ખાધું નથી
નસીબ બે ડગલા આગળનું આગળ રહે છે
નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
નસીબનો બળિયો
નાક ઊંચું રાખવું
નાક કપાઈ જવું
નાક કપાવી અપશુકન ન કરાવાય
નાક કાપીને હાથમાં આપવું
નાક જેવું કાંઈ છે કે નહિ ?
નાકલીટી તાણવી
નાકે છી ગંધાતી નથી
નાગાની પાનશેરી ભારે હોય
નાગાને નાવું શું અને નીચોવવું શું ?
નાચવું ન હોય તો આંગણું વાંકુ
નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
નાણું મળશે પણ ટાણું નહિ મળે
નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
નાના મોઢે મોટી વાત
નાનો પણ રાઈનો દાણો
નામું માંડવું
નારી જોઈ મુનિવર ચળે
નીર-ક્ષીર વિવેક
નેવાના પાણી મોભે ના ચડે
નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય


પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
પગ કુંડાળામાં પડી જવો
પગ ન ઊપડવો
પગ લપસી જવો
પગચંપી કરવી
પગપેસારો કરવો
પગભર થવું
પગરખાંમાં પગ મૂકવો
પગલાં પાડવા/પગલાં ઓળખવા
પગેરું કાઢવું
પડતો બોલ ઝીલવો
પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
પડ્યા પર પાટું
પડ્યો પોદળો ધૂળ ઉપાડે
પઢાવેલો પોપટ
પત્તર ખાંડવી
પથારો પાથરવો
પથ્થર ઉપર પાણી
પરચો આપવો/દેખાડવો
પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
પવન પ્રમાણે સઢ ફેરવવો
પહેલું સુખ તે જાતે નર્યા
પહેલો ઘા પરમેશ્વરનો
પહેલો સગો પાડોશી
પહોંચેલ માયા/બુટ્ટી
પ્રસાદી ચખાડવી
પ્રીત પરાણે ન થાય
પંચ કહે તે પરમેશ્વર
પાકા ઘડે કાંઠા ન ચડે
પાઘડી ફેરવી નાખવી
પાઘડીનો વળ છેડે આવે


ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
ફના- ફાતિયા થઈ જવા
ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
ફસકી જવું
ફટકો પડવો
ફણગો ફૂટવો
ફનાફાતિયા થઈ જવું/કરી નાખવું
ફાચર મારવી
ફાટીને ધુમાડે જવું
ફાવ્યો વખણાય
ફાળિયું ખંખેરી નાખવું
ફિશિયારી મારવી
ફીંફાં ખાંડવાં
ફુલ નહિ તો ફુલની પાંખડી
ફૂલાઈને ફાળકો થઈ જવું
ફૂટી બદામના ભાવે
ફોદેફોદા ઊડી જવા
ફાંકો રાખવો
ફૂંકી ફૂંકીને પગ મૂકવો


બકરું કાઢતા ઊંટ પેઠું
બગભગત-ઠગભગત
બગાસું ખાતા પતાસું મળ્યું
બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
બધો ભાર અંતે કન્યાની કેડ પર આવે
બલિદાનનો બકરો
બળતાંમાં ઘી હોમવું
બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
બળિયાના બે ભાગ
બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો
બાઈ બાઈ ચારણી
બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
બાડા ગામમાં બે બારશ
બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
બાપ શેર તો દીકરો સવા શેર
બાપના કૂવામાં ડુબી ન મરાય
બાપના પૈસે તાગડધીન્ના
બાપનું નામ બોળવું
બાપનું વહાણ ને બેસવાની તાણ
બાપે માર્યા વેર
બાફી મારવું
બાર ગાઉએ બોલી બદલાય
બાર બાવા ને તેર ચોકા
બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
બારે મેઘ ખાંગા થવા
બારે વહાણ ડૂબી જવા
બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
બાવા બાર ને લાડવા ચાર
બાવાના બેઉ બગડ્યા
બાવો ઉઠ્યો બગલમાં હાથ
બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
બિલાડીનું બચ્ચું સાત ઘેર ફરે
બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
બીડું ઝડપવું
બુઢી ઘોડી લાલ લગામ
બે ઘરનો પરોણો ભૂખે મરે
બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
બે પાંદડે થવું
બે બદામનો માણસ
બે બાજુની ઢોલકી વગાડવી
બેઉ હાથમાં લાડવા
બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
બોકડો વધેરવો
બોડી-બામણીનું ખેતર
બોલીને ફરી જવું
બોલે તેના બોર વેંચાય
બંધ બેસતી પાઘડી પહેરી લેવી
બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય


ભડનો દીકરો
ભણેલા ભીંત ભૂલે
ભરડી મારવું
ભરાઈ પડવું
ભલભલાને ભૂ પાઈ દેવું
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
ભાગતા ભૂતની ચોટલી ભલી
ભાગ્યશાળીને ભૂત રળે
ભાંગરો વાટવો
ભાંગ્યાનો ભેરુ
ભાંગ્યું તો ય ભરુચ
ભાંડો ફૂટી ગયો
ભીખના હાંલ્લા શીંકે ન ચડે
ભીંતને પણ કાન હોય છે
ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
ભૂત ગયું ને પલિત આવ્યું
ભૂતનું સ્થાનક પીપળો
ભૂતોભાઈ પણ ઓળખતો નથી
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
ભૂંડાથી ભૂત ભાગે
ભૂંડાને પણ સારો કહેવડાવે તેવો છે
ભેખડે ભરાવી દેવો
ભેજાગેપ
ભેજાનું દહીં કરવું
ભેંશ આગળ ભાગવત
ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ
ભેંશ, ભામણ ને ભાજી, ત્રણે ય પાણીથી રાજી
ભેંશના શીંગડા ભેંશને ભારી
ભોઈની પટલાઈ


મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
મગજમાં રાઈ ભરાઈ જવી
મગનું નામ મરી ન પાડે
મગરનાં આંસુ સારવા
મણ મણની ચોપડાવવી
મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જાય
મન ઊતરી જવું
મન ઢચુપચુ થઈ જવું
મન દઈને કામ કરવું
મન મનાવવું/મારીને રહેવું
મન મોટું કરવું
મન હોય તો માળવે જવાય
મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
મનનો ઊભરો ઠાલવવો
મનમાં ખાંડ ખાય છે
મનમાં પરણવું ને મનમાં રાંડવું
મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
મરચા લાગવા
મરચાં લેવા
મરચાં વાટવા
મરચું-મીઠું ભભરાવવું
મરતાને સૌ મારે
મરતો ગયો ને મારતો ગયો
મસાણમાંથી મડા બેઠા કરવા
મસીદમાં ગયું'તું જ કોણ?
મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
મળે તો ઈદ, ન મળે તો રોજા
મંકોડી પહેલવાન
મા કરતાં માસી વહાલી લાગે
મા તે મા, બીજા બધા વગડાના વા
મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
મા મૂળો ને બાપ ગાજર
માખણ લગાવવું
માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય
માણસ જોઈને વાત કરાય
માણસ માત્ર ભૂલને પાત્ર
માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
માથા માથે માથું ન રહેવું
માથાનો ફરેલ
માથાનો મળી ગયો
માથે દુખનાં ઝાડ ઉગવા
માથે પડેલા મફતલાલ
માથે હાથ રાખવો
માના પેટમાંય સખણો નહિ રહ્યો હોય
માનો તો દેવ નહિ તો પથ્થર
મામા બનાવવા
મામો રોજ લાડવો ન આપે
માપમાં રહેવું
મારવો તો મીર
મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
મારીને મુસલમાન કરવો
મારે મીર ને ફૂલાય પીંજારો
માલ પચી જવો
માશીબાનું રાજ નથી
માંકડને મોં આવવું
માંગ્યા વિના મા પણ ન પીરસે
માંડીવાળેલ
મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે
મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
મિયાં મહાદેવનો મેળ કેમ મળે
મિયાંની મીંદડી
મીઠા ઝાડના મૂળ ન ખવાય
મુવા નહિ ને પાછા થયા
મુવા સાટે જીવતું લે એવો
મુસાભાઈના વા ને પાણી
મૂઈ ભેંશના ડોળા મોટા
મૂછે વળ આપવો
મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
મૂરખના ગાડાં ન ભરાય
મૂરખની માથે શિંગડા ન ઉગે
મેથીપાક ચખાડવો
મેદાન મારવું
મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
મેલ કરવત મોચીના મોચી
મોટું પેટ રાખવું
મોઢાનો મોળો
મોઢામાં મગ ભર્યા છે?
મોઢું કટાણું કરવું/બગાડવું
મોઢું જોઈને ચાંદલો કરાય
મોઢું વાઘનું પણ છાતી શિયાળની
મોઢું સંતાડતા ફરવું
મોતિયા મરી જવા
મોરના ઈંડાને ચીતરવા ન પડે
મોસાળમાં જમણ અને મા પીરસનાર
મોં કાળું કરવું
મોં ચડાવવું
મોં તોડી લેવું
મોં બંધ કરવું
મોં પરથી માંખી ઉડતી નથી
મોં માથાના મેળ વિનાની વાત
મોંકાણના સમાચાર

ય-ર

યથા રાજા તથા પ્રજા
રમત રમવી
રમતવાતમાં
રંગ ગયા પણ ઢંગ ન ગયા
રાઈના પડ રાતે ગયા
રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
રાત ગઈ અને વાત ગઈ
રાત થોડી ને વેશ ઝાઝા
રાતે પાણીએ રોવાનો વખત
રામ રમાડી દેવા
રામ રાખે તેને કોણ ચાખે
રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
રામકહાણી થવી
રામના નામે પથ્થર તરે
રામનું રાજ
રામબાણ ઈલાજ
રામબાણ વાગ્યા હોય તે જાણે
રામાયણ માંડવી
રાંડ્યા પછીનું ડહાપણ
રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
રાંધેલ ધાન રઝળી પડ્યા
રીંગણાં જોખવા
રૂપ રૂપનો અંબાર
રેતીમાં વહાણ ચલાવવું
રેવડી દાણાદાણ કરી નાખવી
રોકડું પરખાવવું
રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
રોજ ઊઠીને
રોજ મરે એને કોણ રોવે
રોજની રામાયણ
રોટલાથી કામ કે ટપટપથી
રોટલો મળે પણ ઓટલો ન મળે
રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે
રોદણા રોવા


લખણ ન બદલે લાખા
લગને લગને કુંવારા લાલ
લપોડશંખ પાસે માગો લાખ તો કહે આપું સવા લાખ
લમણાંઝીક કરવી
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
લંકાની લાડી ને ઘોઘાનો વર
લંગોટીયો યાર
લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
લાકડાની તલવાર ચલાવવી
લાકડે માંકડું વળગાવી દેવું
લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
લાજવાને બદલે ગાજવું
લાલપીળા થવું
લાલો લાભ વિના ન લોટે
લાળાં ચાવવા
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
લીલા લહેર કરવા
લે લાકડી ને કર મેરાયું
લેતાં લાજે ને આપતાં ગાજે
લોઢાના ચણા ચાવવા
લોઢું લોઢાને કાપે
લોભને થોભ ન હોય
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
લોભે લક્ષણ જાય


વખાણેલી ખીચડી દાઢે વળગે
વટનો કટકો
વઢકણી વહુ ને દીકરો જણ્યો
વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી
વરને કોણ વખાણે? વરની મા!
વરસના વચલા દહાડે
વહેતા પાણી નિર્મળા
વહેતા પાણીમાં હાથ ધોઈ લેવા
વહેતી ગંગામાં ડુબકી લગાવવી
વહેમનું કોઈ ઓસડ નથી
વહોરાવાળું નાડું પકડી ન રખાય
વા વાતને લઈ જાય
વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
વાડ ચીભડા ગળે
વાડ વિના વેલો ન ચડે
વાણિયા વાણિયા ફેરવી તોળ
વાણિયા વિદ્યા કરવી
વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
વાણિયો પેટમાં પેસીને પગ પહોળા કરે
વાણિયો રીઝે તો તાળી આપે
વાત ગળે ઉતરવી
વાતનું વતેસર કરવું
વાતમાં કોઈ દમ નથી
વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
વાર્યા ન વળે તે હાર્યા વળે
વાવડી ચસ્કી
વાવો તેવું લણો, કરો તેવું પામો
વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
વાંઢાને કન્યા જોવા ન મોકલાય
વાંદરાને સીડી ન અપાય
વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
વિદ્યા વિનયથી શોભે
વિના ચમત્કાર નહિ નમસ્કાર
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વિશ્વાસે વહાણ તરે
વીસનખી વાઘણ
વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
વેંત એકની જીભ
વૈદ, વકીલ અને વેશ્યા ઘરાક શોધે રોકડીયા


શંકા ભૂત અને મંછા ડાકણ
શાંત પાણી ઊંડા હોય
શાંતિ પમાડે તે સંત
શિયા-વિયા થઈ જવું
શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો
શીરા માટે શ્રાવક થવું
શીંગડા, પૂંછડા વિનાનો આખલો
શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
શેઠની શિખામણ ઝાંપા સુધી
શેર માટીની ખોટ
શેરના માથે સવા શેર
શેહ ખાઈ જવી
શોભાનો ગાંઠિયો
શ્રી ગણેશાય નમઃ કરવું

સ-ષ

સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
સક્કરવાર વળવો
સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
સત્તા આગળ શાણપણ નકામું
સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
સદાનો રમતારામ છે
સવા નવ ને પાંચ
સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
સળગતું લાકડું ઘરમાં ન ઘલાય
સંઘર્યો સાપ પણ કામ આવે
સંતોષી નર સદા સુખી
સંસાર છે ચાલ્યા કરે
સાચને આંચ ન આવે
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
સાન ઠેકાણે આવવી
સાનમાં સમજે તો સારું
સાપ ગયા અને લીસોટા રહ્યા
સાપના દરમાં હાથ નાખવો
સાપને ઘેર સાપ પરોણો
સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
સારા કામમાં સો વિઘન
સાંઠે બુદ્ધિ નાઠી
સીદીભાઈને સીદકાં વહાલાં
સીદીભાઈનો ડાબો કાન
સીધી આંગળીએ ઘી ન નીકળે
સીંદરી બળે પણ વળ ન મૂકે
સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
સુતારનું મન બાવળિયે
સુરતનું જમણ ને કાશીનું મરણ
સૂકા ભેગુ લીલું બળે
સૂપડાં સાફ થઈ ગયાં
સૂળીનો ઘા સોયથી સર્યો
સેવા કરે તેને મેવા મળે
સો દવા એક હવા
સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
સો વાતની એક વાત
સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
સોના કરતાં ઘડામણ મોંઘું
સોનાની જાળને પાણીમાં ન ફેંકાય
સોનાની થાળીમાં લોઢાનો મેખ
સોનાનો સૂરજ ઉગવો
સોનામાં સુગંધ મળે
સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
સોળે સાન, વીસે વાન
સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી

હ-ળ-ક્ષ-જ્ઞ

હરામના હાડકાં
હલકું લોહી હવાલદારનું
હવનમાં હાડકાં હોમવા
હવેલી લેતા ગુજરાત ખોઈ
હસવામાંથી ખસવું થવું
હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
હસી કાઢવું
હસે તેનું ઘર વસે
હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
હળાહળ કળજુગ
હા જી હા કરવું
હાકલા-પડકારા કરવા
હાજાં ગગડી જવા
હાડકાં ખોખરાં કરવા/રંગી નાખવાં
હાડહાડ થવું
હાડોહાડ લાગી આવવું
હાથ અજમાવવો/સાફ કરવો
હાથ ઊંચા કરી દેવા
હાથ કાપી આપવા
હાથ કાળા કરવા
હાથ ખંખેરી નાખવા
હાથ ઘસતા રહી જવું
હાથ દાઝવો
હાથ દેખાડવો
હાથ ધોઈ નાખવા
હાથ ધોઈને પાછળ પડી જવું
હાથ પકડવો/હાથ ઝાલવો
હાથ પીળા કરવા
હાથ ભીડમાં હોવો
હાથ માગવો
હાથ લાંબો કરવો
હાથ વળવો
હાથ હેઠા પડવાં
હાથતાળી આપવી
હાથના કર્યાં હૈયે વાગ્યા
હાથની ચળ ઉતારવી
હાથનો ચોખ્ખો
હાથનો છૂટો
હાથમાં આવ્યું તે હથિયાર
હાથવાટકો
હાથી ઘોડાનો ફરક
હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
હાથીના હાથી ચાલ્યા જવા
હાથીની અંબાડીએ ચડી છાણાં ન વિણાય
હાથીની પાછળ કૂતરા ભસે
હાથે-પગે લાગીને કામ કઢાવી લેવું
હાથો બની જવું
હામી ભરવી
હાર્યો જુગારી બમણું રમે
હિંમતે મર્દા તો મદદે ખુદા
હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
હું પહોળી ને શેરી સાંકડી
હું મરું પણ તને રાંડ કરું
હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
હુતો ને હુતી બે જણ
હૈયા ઉકલત
હૈયામાં કોતરી રાખવું
હૈયું ખાલી કરવું/ઠલવવું
હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
હૈયે છે પણ હોઠે નથી
હૈયે રામ વસવા
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
હોળી સળગાવવી
હોળીનું નાળિયેર બનાવવું
ક્ષમા વીરનું ભૂષણ છે
માવજીભાઈની ઈચ્છા આ બધી નીચે મુજબની હિન્દી કહેવતોને પણ ગુજરાતી ગણી તેને ગુજરાતી કહેવતોનો દરજ્જો આપવાની છે. શું થાય, બાવા બન્યા હૈ તો હિન્દી બોલ્યા વિના સૂટકા નહિ હૈ ! આપણે બધાં વાતેવાતમાં આ હિન્દી કહેવતો ટાંકતાં જ હોઈએ છીએ.
અક્કલ બડી કે ભેંશ ?
અપના હાથ જગન્નાથ
અબી બોલા અબી ફોક
આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા
એક પંથ દો કાજ
કમજોર ઔર ગુસ્સા બહોત
કર ભલા તો હોગા ભલા
કહેતા ભી દિવાના ઓર સૂનતા ભી દિવાના
કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
ખેંચ-પકડ મુઝે જોર આતા હૈ
ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ
ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
ઘાયલકી ગત ઘાયલ જાને
જાન બચી લાખો પાયે
તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે
પંચકી લકડી એક કા બોજ
બાપ લાખ બેટા ચાલીસ હજાર
ભૂખે ભજન ન હોઈ ગોપાલા
મન ચંગા તો કથરોટમેં ગંગા
મફતકા ચંદન ઘસબે લાલિયા
માન ન માન મૈં તેરા મહેમાન
મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
મુખમેં રામ, બગલમેં છૂરી
મુલ્લેકી દૌડ મસ્જિદ તક
રામનામ જપના પરાયા માલ અપના
લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
લેને ગઈ પૂત ઔર ખો આઈ ઈસમ
વો દિન કહાં કિ મિયાં કે પાંવ મેં જૂતિયા
સમય સમય બલવાન હૈ નહિ મનુજ બલવાન
કાબે અરજુન લુંટિયો વહી ધનુષ વહી બાણ
સર સલામત તો પઘડિયાં બહોત
સૌ ચૂહે મારકે બિલ્લી ચલી હજકો
હાથ કંગન કો આરસી ક્યા પઢે લીખે કો ફારસી ક્યા
હાલ જાય હવાલ જાય બંદેકા ખયાલ ન જાય
                                  
                                 *****CRC*****